! ♥♥ માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે ♥♥ !

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં

– અંકિત ત્રિવેદી
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

! ♥♥ તકિયાકલામ ♥♥ !

સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે –

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે-,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજ ટાણે આથમી જશે
આંખોમાં તારી ઊગશે એને સલામ છે.

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઇશ હું,
સપનામાં તારા આવીને મારે શું કામ છે ?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે !

– અંકિત ત્રિવેદી
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

! ♥♥ મેં હજી મત્લા કર્યો છે ♥♥ !

મેં હજી મત્લા કર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
તોય ડૂમો કરગર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

વાત જે ના થઈ શકી એનો નશો મિસરો બનીને,
ધીરે ધીરે વિસ્તર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

સાંજની ભીની હવા પરના રદીફનો હાથ ઝાલી,
કાફિયાને કોતર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

– અંકિત ત્રિવેદી
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

! ♥♥ નામ ♥♥ !

મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ

હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો

દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ

મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય

અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.

– અંકિત ત્રિવેદી
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

! ♥♥ મેઘલી શ્યામલ એક રાતે ♥♥ !

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,

એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,

પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,

પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.

પછી હૈયાની હોવાનાં અણસારે તું,

પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,

અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,

ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.

પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,

પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,

પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,

પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,

જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,

સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,

એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,

– અંકિત ત્રિવેદી

 

અહિંયા ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે

એકાદ પીંછુ યાદનું ત્યાં પણ ખર્યું હશે –

 

આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો

સપનાને પાછું કોઈકે સામે ધર્યું હશે –

 

બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું?

જાણીબૂઝીને એમણે એવું કર્યું હશે –

 

અટકી ગયેલી વાત ના આગળ વધી શકી.

મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે?

 

મારા વિના હું એકલો ટોળે વળી ગયો

મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.

 

– અંકિત ત્રિવેદી

 

Advertisements