પુસ્તકો મને મારી સુગંધ આવે છે…

વાંચવાના શોખને કારણે વર્ષોમાં જીવન ઉમેરાયું છે. સંઘર્ષની ક્ષણોમાં વાંચને હથેળી દબાવાને નવું જોમ પૂરું પાડ્યું છે. પુસ્તકોના ઘણા ઉપકારો હોય છે. એક જ છાજલી પર રહેતા પુસ્તકોના સ્વભાવ પણ નોંખા નોંખા! ક્યારેક કોઇક તોફાની લાગે, ક્યારેક કોઇક પુસ્તક તમારા મિત્ર જેવું વારંવાર મળવાનું મન થઇ આવે એવું હોય, ક્યારેક કોઇ પુસ્તક પ્રિયતમા જેવું સામેથી આવકારે અને પછી મર્યાદા સાથે સ્વીકારે… પુસ્તકોના સ્વભાવ માણસના એકાંતની કુંડળી રચે છે. પુસ્તકો સાથે હોઉં ત્યારે એકલા રહેવાનું મને ગમે છે. એકાંતના રસ્તા પર શબ્દોની હવા આંખો મીંચી નાંખે એવી સડસડાટ વહેતી હોય છે. પુસ્તકો વાંચતી વખતે મને મારી સુગંધ આવે છે.
જે માણસે પુસ્તકો નથી વાંચ્યા એ તો પછડાટના સમયે ફાંફાં મારવાનો જ. પણ જે માણસે હાથમાં એકાદ વાર પણ પુસ્તક નથી લીઘું એ પણ બિચારો જ લાગવાનો! પુસ્તકને હથેળીમાં લેતાં જ એના લખનારનું સ્પંદન તમને એના સંમોહનમાં વશ કરી લે છે! પુસ્તક ત્યારે એવું આકર્ષણ જન્માવે છે જે તમારી રગેરગમાં વરસાદને વાવીને વાદળના વૃક્ષો ઉછેરતું હોય એમ લાગે છે! પુસ્તક મનની સ્વસ્થતાને તંદુરસ્ત બનાવે છે. મનની અવળચંડાઇને લખનારના મન સાથે મૂકવાથી બે પાટા સામસામે આવે છે અને વિચારોની ટ્રેન પહોંચવી જોઇએ એવા સ્ટેશને પહોંચી જાય છે.
વાંચવાના સમયે મૌન રહેવાય છે. પુસ્તકોમાં શબ્દો છે પણ એની ભાષામાં મૌનના કાગળનો પ્રદેશ છે. પુસ્તકોમાં બુકમાર્ક હોય એ જરૂરી નથી, ઘણીવાર પુસ્તકો સ્વયમ જીવનના બુકમાર્ક થઇ જતાં હોય છે. તમારે તમારી સરહદો ઓળંગવી છે?, મોટા થયાં પછી પણ જેવા છીએ તેવા રહેવાનું ગમે છે?, તમારા સરનામે તમને કાગળ લખવો છે?, આંખોના આંસુને કોઇને ખબર ન પડે એમ સાંત્વના આપવી છે? સામે ઊભેલા ઝંઝાવાતને કોઇની ઓળખાણ કાઢીને શાંત પાડવો છે? – તો, તો, તમારે પુસ્તકો વાંચવા પડશે. રસ્તો નકશામાં જ હોય એવું ક્યાં બને છે? જીવનના રસ્તાના ઘણા બધા નકશાઓ પુસ્તકોમાં વળ ખાઇને બેઠા થયાં છે. માણસાઇની હમશકલ છે પુસ્તકો!
પુસ્તકો વાંચવાના શોખને કારણે જીવનને તરી ગયેલા કેટલાંયને મારા કરતા વધારે તમે ઓળખતા હશો! કેટલાંય એવા પુસ્તકના પૂજારીઓને ઓળખું છું જે પોતે એક ખૂણામાં બેસીને વાંચન કરતાં હોય અને એ જ પુસ્તકો ઢગલાની સંખ્યામાં મિત્રોમાં વહેંચતા હોય! પુસ્તકને તમારી ગેરહાજરી સાલતી હોય છે. તમે નથી હોતા ત્યારે પુસ્તક તમારી આંગળીઓના વિરહને પોતાની જગ્યાએ સ્થિર રહી અનુભવે છે. પુસ્તકને હૃદય હોય છે. એના ધબકારા આપણી સંસ્કૃતિ બની જાય છે. એક પુસ્તક વાંચ્યા પછી જાતરા થયાનો અનુભવ થાય તો સમજવું કે તમે તમારા એકાંત સાથે કરાર કર્યા વગરની મૈત્રી કરી છે. પુસ્તકો આત્માને ટાઢક પહોંચાડે છે.
પુસ્તકને વાંચ્યા પછી એના લેખકને મળવાની અભિપ્સા ન રાખવી. એને મળ્યા પછી પુસ્તક વાંચવાનો ભ્રમ તૂટી શકે એમ છે. કારણકે લેખક પોતે પણ આપણા જેવો માણસ છે. આપણા જેવી જ મર્યાદાઓ એનામાં પણ ભરેલી છે. એ આપણા જેવો છે એટલે જ એ લેખક છે ને આપણે વાચક છીએ. બંનેનો સંબંધ અરસપરસનો અને વરસોવરસનો છે. પુસ્તકમાં એ એવી રીતે ઊઘડ્યો હશે જે તમારામાં અને એનામાં ખૂટે છે. કદાચ એવું પણ બને કે એ પુસ્તક એનામાં ઊભરાયેલા આનંદનો છંદ હોય! પુસ્તક બ્રહ્માંડના ચહેરાની આઉટલાઇન છે. માણસાઇનું મીનીએચર છે. ઉત્સાહનો ઉપસંહાર છે. મેડિટેશનનો અનોખો પ્રકાર છે. તમારો ચહેરો ફોટામાં ક્લિક થશે અને બધાની જેમ તમે પણ એને જોઇને વખાણી શકશો. પણ તમારામાં રહેલી ઉણપ તમને એકલાને પુસ્તક જ બતાવી શકશે. એ કોઇને કહેશે પણ નહીં એટલું વફાદાર રહેશે. એક જ પુસ્તક એના લાખો વાચકોને રૂબરૂમાં કાનને સંભળાયા વગર સમજાવી શકે છે.
દુનિયા ફાસ્ટ થઇ ગઇ છે. કોમ્પ્યુટરના સ્ક્રીન પર પુસ્તકોને ક્લિક કરાય છે. તો પણ પુસ્તકને હાથમાં લઇને વાંચવાની મઝા જુદી જ છે! ફ્‌લેવર્ડ ખૂશ્બુને ઓક્સિજનના બાટલામાં નાંખવાથી દર્દીને રાહત નથી મળવાની! પુસ્તકને હથેળીમાં લઇને વાંચવાથી જીવનની વફાદારી વઘુ ઘનિષ્ટ થતી હોય છે!
હીંચકો હોય, પુસ્તકો હોય અને કડક મીઠ્ઠી ચ્હા હોય પછી ભલેને કોઇપણ સમય હોય એના સિવાય કોઇપણ માણસ બીજું માંગે તો સમજવું એને હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. યજ્ઞોપવિત સંસ્કારની જેમ જ કોઇને ખબર ન પડે એમ ‘પુસ્તક સંસ્કાર દીક્ષા’ દરેક માણસે લેવી જોઇએ. પછી એ ધર્મનો મટી જઇને જીવનમર્મનો બની જશે! સોળ સંસ્કારોમાં પુસ્તક સંસ્કારનો ઊમેરો થવો જોઇએ. પુસ્તકો વાંચ્યા પછી મન ઠરેલું બને છે. ચિત્ત શાંત અને એકાગ્ર બને છે. સ્થિતિને સમજતા વાર નથી લાગતી! અકળાઇ જવાની અળાઇ નથી ફૂટતી સમજણની પીઠ પર! ‘સહજ સમાધિ લાગી’ – વાળી વાત સહજમાં જ સમજાય છે. બે પૂંઠા વચ્ચેના પાનાઓમાં જીવવાની સાચી સામગ્રીનો ભંડાર છે. એને તમારી નિસ્બત સુધી પહોંચાડશો તો એ તમને સાચી સોબત સુધી પહોંચાડશે. પુસ્તકો યુવાન રહેવાનો, યુવાન થવાનો સરળ ઉપાય છે. મનને દેખાવડું કરવું હોય તો પુસ્તકો સાચા પથદર્શક છે.
ઓનબીટ
‘‘હૃદયનો સાથ હોય તો રિવાજ અન્ય છોડ તું-,
રમેશ પાંપણોથી પણ અહીં પ્રણામ થાય છે’’
– રમેશ પારેખ

Advertisements