મોટા માણસની વ્યાખ્યા શું ? જેની પાસે ખૂબ પૈસો હોય તે ! જે ખૂબ સુખી દેખાતો હોય તે ? જેનું બધા જ માનતા હોય તે ? જે બધાને સલાહો આપતો હોય તે ? તો પછી બસનો કંડકટર કે રિક્ષાવાળો જે બાંધેલી આવકમર્યાદામાં પોતાનું ગુજરાન ચલાવે છે અને રાત્રે સરસ નસકોરાવાળી ઉંઘ લે છે એને કઈ કેટેગરીમાં મૂકીશું ? મઘ્યમવર્ગનો માણસ સામાન્ય રીતે જીવન જીવે છે એ મોટો માણસ ના કહેવાય ? ‘મોટો માણસ’ સુખી જ હોય એ જરૂરી નથી. અને સુખી માણસને ‘મોટા માણસ’ બનવામાં રસ નથી પડતો !નાનકડા ઘરમાં જીંદગીની મુશ્કેલીઓને હસતા હસતા જીવી કાઢતો આમઆદમી મોટા બનવા કરતા ‘સારા’ બનવાનું વધારે પસંદ કરે છે.

જે દેખાય છે તે સુખ છે પરંતુ જે અંદરથી અનુભવાય છે તે આનંદ છે. સુખને આંખો છે, આનંદને હૃદય છે. સુખની આંખોને નીંદાના ચશ્મા અને દુઃખનો મોતીયો આવે છે. આનંદના હૃદયને આ બધી પળોજણમાંથી મુકિત મેળવવી છે. મોટો માણસ સુખના રસ્તે ઘર બાંધવામાં પડયો છે. ‘મોટા’ બનવાની ગતિ પૂરપાટ છે. ‘બનવાની’ વ્યાખ્યા આપણી અપેક્ષાઓ ઉપર નિર્ભર છે. કશું જ નક્કી કર્યા વગર જીવનનો રસ્તો નક્કી કરતાં કરતાં સફળતાનો નકશો બનાવવો તે આવડતની વાત છે. આવી આવડત બધા પાસે હોય છે આપણે તેને નકારીને દુનિયાની ઝડપને સ્વીકારીએ છીએ.દુનિયાની દ્રષ્ટિએ મોટા માણસ થવાની છૂટ છે. મોટા માણસની આંખોથી પણ દુનિયા જોવાની મઝા આવે છે. સપનું મોટા માણસની દુનિયાનું કેન્દ્ર બિંદુ છે. સપનું આપણા આનંદને હિપ્નોટાઈસ કરે છે. આંખો બંધ આંખે આપણને દ્રશ્યોની ચોકલેટ આપીને બે પાંપણ વચ્ચે ચગળવાની મઝા અપાવે છે. આંખો ખુલ્યા પછી ખબર પડે કે જીભ પર સ્વાદ હતો જ નહીં અને જે આંખો દ્રશ્યોનું લાલનપાલન કરવામાં વ્યસ્ત હતી એ આંખો તો હજુરીયાની માફક સપનાની વાહ વાહ કરે છે !મોટા માણસો આવું કશું જ વિચારતા નથી. માણસાઈ એમને માટે વિગતદોષ છે. સામેવાળાની બધી જ નબળાઈઓથી એ વાકેફ હોય છે. એમની સત્તાનો એમને કેફ હોય છે. બધા જ મોટા માણસો આવા નથી હોતા. કહેવાતા મોટા માણસો પાનાઓના પાનાઓ ભરાઈ જાય એવી આત્મકથાઓના જીવંત પાત્રો હોય છે. મોટો માણસ આગળ આવવાની સ્પર્ધામાં નથી ઊતરતો ! એ જયાં છે ત્યાંથી પોતાની ગતિને મક્કમ અને મોઘમ રીતે સાચવીને આગળ વધે છે.કશું છોડીને આગળ આવીએ અથવા તો પહેલાં સાઇકલ હતી હવે કાઇનેટીક આવ્યું આજે ગાડી લીધી – આ બઘું મોટા બનવાની વ્યાખ્યામાં નથી આવતું ! આ બઘું તો આગળ વધવાની સમજણ સાથે આવે છે. વસ્તુઓ બદલાવવાથી વ્હાલમાં ફરક પડતો હોત તો દુકાનોના માલિકો રમકેરેટની માણસાઈના સંવાહકો હોત ! દિવસની દોડધામને અંતે તમારી સાંજ કેવી પડે છે એનાથી તમારા અભિગમના ટાંટીયા મેળવાતા હોય છે.તમારા ખિસસ્ને પરવડે છે તે આનંદ છે. પરંતુ આપણને ખિસ્સામાં વધારે ભરવાની આદત છે. પરીણામે ‘મોટા બનવું’ પડે છે.

આપણે જેવા છીએ એવા આપણી જાત આગળ રજુ થઈએ તો માણસ બનવા માટે ચિંતા કરવી નહીં પડે ! ‘સારા માણસ’ થવું એ આપણી હોબી હોવી જોઈએ. આદતમાં વધારો થતો જાય ત્યારે આપણે મોટા માણસ બનવાની સ્પર્ધામાં આગળ વધીએ છીએ. આદતમાં ઘટાડો થતો જાય ત્યારે સારા માણસ બનવાની આદતમાં વધારો થતો જાય છે.મોટા માણસોની લાઈફ સ્ટાઈલ સાવ કાઢી નાંખવા જેવી નથી. એમાં સચ્ચાઇની સુગંધનો સંબંધ હોય છે. તમે તમારી જાતનું એનાલિસીસ કર્યું છે. આપણે સારા કે મોટા બંનેની વચ્ચે ઝોલા ખાતા માણસો લાગતા હોઈશું. ખરેખર તો આપણે મોટા માણસની સાથે સાથે સારા માણસને જાળવી રાખવાનો છે. કુદરત નક્કામા ઘાસની સાથે સાથે જરૂરીયતાની વનસ્પતિ પણ ઊગાડે જ છે…

:- અંકિતભાઈ ત્રિવેદી . .

Advertisements