પ્રિય ભાવનગર,
આશા રાખું છું …… તું મજા માં હોઈશ. મમ્મી ને ‘તું’ કહું છું એટલે તને પણ ‘તું’ જ કહીશ. તારા ખોળામાં ઉછરેલાં મેં …. તારા જ ખભા ઉપર બેસી ને બાળપણ જોયેલું છે. મોટો થયો એટલે તારા થી દુર અહિયાં માસી ( પુને ને હું મારી માસી કહું છું) પાસે આવ્યો છું.
માસી ચોક્કસ ‘માં’ જેવો પ્રેમ કરી શકે …. પણ ‘માં’ બની શકે નહિ.
તારા ઉપર રોજ કરાતી અસંખ્ય ‘ગંદકીઓ’ ને જોઈ ને…. હું એટલું તો શીખી ગયો છું કે ‘ લોકો તો ગંદકી કરશે જ……… આપણે કાયમ બગીચા જેવું જ રહેવાનું’. તે તારા હૈયા માં કેટલા બધા બગીચા સમાવેલા છે. આટલી બધી કોમળતા નો …… ભાવનગર ….તને ભાર નથી લાગતો ?
ભાવનગર, તે મને ફક્ત સદભાવ જ નહિ ….. સમભાવ પણ શીખવ્યો હતો. તે બધા ભાવ શીખવેલા છે … બસ પ્રતિભાવ આપવાનું શીખવ્યું નથી.
PUNE માં બધું જ મળે છે …… પણ ભાવનગર, તારો ભાવ અહિયાં ક્યાં થી લાવું.
ભાવનગર, તારા ફક્ત ‘ભાવ’ ના જ નહિ…… ‘સ્વભાવ’ ના પણ ભૂખ્યાં છીએ.
આ મુંબઈ વાળા લોકો તારા વિષે બેફામ બોલે છે . તને કેટલાય તિરસ્કાર ની નજર થી જોવે છે. તોય તું ચુપ છે ?? તારું રૂવાડું ય ફરકતું નથી? લાગે છે ….. એક સોડા ના બે ભાગ કરી ને….. તું ‘તિરસ્કાર’ ને પણ પચાવી જાય છે. તારી આજ વાત તો ગમે છે.
તને ક્યારેય ‘metro’ થવા નો શોખ જાગ્યો જ નથી. તને ક્યારેય આગળ વધવાની ઈચ્છા થઇ જ નથી. તે ફક્ત તારા બાળકો ને આગળ કર્યા છે. ‘પાર્થિવ ગોહિલ’ ને મુંબઈ પહોચાડી ને તને જે આનંદ થયો તો …એ હજી પણ મને યાદ છે.
ભાવનગર, તે ક્યારેય મોટી મોટી વાતો કરી નથી. તે ફક્ત તારા કુટુંબ ને સાચવ્યું છે. સાલી, કોઈ ની સાથે હરીફાઈ કરવાની દાનત,,,,,તારા માં આવી જ નહિ. કોઈ ને પછાડી ને પ્રગતિ કરવાની ….. એવું તને કેટલીય વાર અમે સમજાવ્યું હશે …. પણ તે ક્યારેય એ કર્યું નથી.
તે ફક્ત તખ્તેશ્વર માં બેસી ને ભક્તિ કરી છે ……. કલા ની, સંસ્કાર ની, માન-સ્વમાન-સ્વાભિમાન ની, પરોપકાર ની અને ઈશ્વર ની.
તારા હૈયા માં વસતાં ….તારી કુખે જન્મેલા …… આટલા બધા કવિઓ ……. તારા ઉપર ઈશ્વર નો આશીર્વાદ છે ‘માં’.
જે બાળક પોતાની ‘માં’ ને પ્રેમ ન કરી શકે , પોતાના વતન ને પ્રેમ ન કરી શકે…. એ દુનિયા ને તો શું … પ્રેમિકા ને પણ પ્રેમ ન કરી શકે……એવું તો તે મને દક્ષિણામૂર્તિ ની ‘નાની બકુલ’ માં જ સમજાવેલું.
તે બનાવેલા દરેક ‘CIRCLE’ ને ફરી ફરી ને …… હવે એટલું તો સમજી ગયો છું ….. દુનિયા પણ ગોળ છે. અને દુનિયા માં ગમે ત્યાં જાવ, એ ‘CIRCLE’ ફરી ને ………..અંતે તો ‘ઘોઘા સર્કલ’ (ઘરે) જ પાછું આવવાનું છે. ધરતી નો છેડો ‘ઘોઘા સર્કલ’.
ગાય ને પણ ‘માતા’ કહેતા ( જેઓ ‘માં’ પ્રથા માં માને છે તેઓ) …. તો પછી એક ‘માં’ ની અંદર રહેલી આટલી બધી ‘માતાઓ’ આ બહાર ના લોકો ને કેમ ખૂંચે છે? ક્યાંક તારા માતૃત્વ ની ઈર્ષા તો નથી ને ?
હજુ સુધી તે અમને ‘ઈર્ષા’ શીખવી નથી …..એટલે જાજી એના વિષે ખબર નથી.
એક વાત કાન માં કહું. તારા માં છે એના કરતાં વધારે ‘ગાંડા’ દિલ્હી – મુંબઈ માં જોયા છે. કેટલાક તો લોકસભા – વિધાનસભા સુધી પહોચ્યા છે. તો પછી તારા માં રહેલા આ માનસિક વિકલાંગ બાળકો ……આ બહાર ના લોકો ને કેમ ખૂંચે છે?’ આ INSANE WORLD સાથે DEAL કરવા માટે INSANE થવું પડે …. તો એમાં ખોટું શું છે ?
ભાવનગર, તારા ખોળા માં માથું મૂકી ને ફરી એક વાર સુઈ જવું છે…… તારું સંગીત સાંભળતા સાંભળતા. તે હંમેશા ભાઈચારો શીખવ્યો છે……ભાગીદારી નહિ.
દિવાળી તો એક બહાનું છે…… તને જ મળવા આવું છું. તને જયારે મળીશ….. એજ મારી દિવાળી છે. રાતે મોડો ઘરે આવીશ…… ભાવનગર , પહેલા ની જેમ ખાધા પીધા વગર મારી રાહ ના જોઇશ. તું સુઈ જજે . આપણે બીજે દિવસે સવારે મળીશું.
મને ખબર છે, તોય તું મારી રાહ જોઇશ કારણકે તું એક ‘માં’ છે ………………રાહ જોઇશ ને મારી?
-ડો.નિમિત (સદભાવનગર થી )
( ભાવનગર માં થી તો નિકળ્યો …… પણ મારા માંથી ભાવનગર નિકળતું નથી એનું શું ? )

Advertisements