જે માણસે પુસ્તકો નથી વાંચ્યા એ તો પછડાટના સમયે ફાંફાં મારવાનો જ. પણ જે માણસે હાથમાં એકાદ વાર પણ પુસ્તક નથી લીઘું એ પણ બિચારો જ લાગવાનો! પુસ્તકને હથેળીમાં લેતાં જ એના લખનારનું સ્પંદન તમને એના સંમોહનમાં વશ કરી લે છે! પુસ્તક ત્યારે એવું આકર્ષણ જન્માવે છે જે તમારી રગેરગમાં વરસાદને વાવીને વાદળના વૃક્ષો ઉછેરતું હોય એમ લાગે છે! પુસ્તક મનની સ્વસ્થતાને તંદુરસ્ત બનાવે છે. મનની અવળચંડાઇને લખનારના મન સાથે મૂકવાથી બે પાટા સામસામે આવે છે અને વિચારોની ટ્રેન પહોંચવી જોઇએ એવા સ્ટેશને પહોંચી જાય છે.
વાંચવાના સમયે મૌન રહેવાય છે. પુસ્તકોમાં શબ્દો છે પણ એની ભાષામાં મૌનના કાગળનો પ્રદેશ છે. પુસ્તકોમાં બુકમાર્ક હોય એ જરૂરી નથી, ઘણીવાર પુસ્તકો સ્વયમ જીવનના બુકમાર્ક થઇ જતાં હોય છે. તમારે તમારી સરહદો ઓળંગવી છે?, મોટા થયાં પછી પણ જેવા છીએ તેવા રહેવાનું ગમે છે?, તમારા સરનામે તમને કાગળ લખવો છે?, આંખોના આંસુને કોઇને ખબર ન પડે એમ સાંત્વના આપવી છે? સામે ઊભેલા ઝંઝાવાતને કોઇની ઓળખાણ કાઢીને શાંત પાડવો છે? – તો, તો, તમારે પુસ્તકો વાંચવા પડશે. રસ્તો નકશામાં જ હોય એવું ક્યાં બને છે? જીવનના રસ્તાના ઘણા બધા નકશાઓ પુસ્તકોમાં વળ ખાઇને બેઠા થયાં છે. માણસાઇની હમશકલ છે પુસ્તકો!

Advertisements